info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦

સરદાર સરોવર ડેમ

પાછા જાઓ


સરદાર સરોવર ડેમ- ઈતિહાસ

નર્મદા નદીની સરેરાશ વાર્ષિક જળરાશિ પંજાબની પ્રસિધ્ધ નદીઓ રાવી, બિઆસ અને સતલજ કરતાં પણ વધુ છે. નર્મદાની આ ક્ષમતા સ્વતંત્ર ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાનશ્રી સરદાર વલ્લ્ભભાઈ પટેલ ઓળખી ગયાં હતાં જેથી તેમનાં માર્ગદર્શન હેઠળ સન- ૧૯૪૬-૪૭ માં નર્મદા નદીનાં સમગ્ર ખીણપ્રદેશની જળસંપત્તિનાં સંકલિત વિકાસ થકી સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદનનાં આયોજન માટેનું સંશોધન કાર્ય શરૂ કરવામાં આવેલ હતું. નર્મદાનાં પાણીની વહેંચણી અંગેનાં આંતર રાજ્ય વિવાદોનો અંત નર્મદા જળ વિવાદ નિવારણ પંચ નાં ૧૯૭૯નાં ચુકાદા દ્વારા આવ્યા બાદ વિગતવાર આયોજન, આયોજન પંચની મંજૂરી, તથા પર્યાવરણીય મંજૂરી મળ્યાં બાદ વર્ષ ૧૯૮૮માં ડેમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું પરંતુ એક યા બીજા કારણોસર યોજના વિવાદોનાં વમળમાં અટવાતી ચાલી. આવી અનેક અડચણો પસાર કરીને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં દ્રઢ મનોબળ અને માર્ગદર્શનનાં પરિણામે ડેમનું કામ વર્ષ ૨૦૧૭ માં પૂર્ણ થતાં તા. ૧૭/૦૯/૨૦૧૭નાં રોજ રાષ્ટ્રાર્પણ કરવામાં આવ્યું અને ગુજરાતની પ્રજાનું ૭ દાયકાઓ જુનું સ્વપ્ન સાકર થયું. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ તથા ૨૦૨૦ દરમ્યાન ડેમ પૂર્ણ જળાશય સપાટી સુધી ભરી છલકાયો હતો! માન. વડાપ્રધાનશ્રીએ માતા નર્મદાના નીર ગુજરાત અને રાજસ્થાનના તરસ્યા વિસ્તારો સુધી પહોંચાડી મા નર્મદાને મળેલ “જીવાદોરી” નું નામ સાર્થક કરાવ્યું છે.

સરદાર સરોવર ડેમ ભારતનાં સૌથી ઉંચા કોંક્રિટ બંધોમાં, હિમાચલ પ્રદેશનો ભાખરા (૨૨૬ મીટર) અને ઉત્તર પ્રદેશનો લખવાર (૧૯૨ મીટર) પછી ત્રીજા ક્રમે છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ ને સરળ ભાષામાં પ્રસ્તુત કરીએ તો; આ ડેમ ૧.૨૧૦ કિલોમીટર લાંબો કોંક્રિટ ગ્રેવીટી ડેમ છે, જેની સૌથી ઉંડા પાયાથી માપેલી ઉંચાઈ કુલ ૧૬૩ મીટર એટલે કે આ ડેમ ૫૪ માળની બિલ્ડીંગ જેટલો ઉંચો છે. આ ડેમમાં ૨૭ બુર્જ ખલિફા ઉભા થઈ જાય એટલો કોંક્રિટ વપરાયેલો છે. આ એક ડેમ નું વજન ૨૦૦૦ જેટલાં એફિલ ટાવર (પેરિસ) જેટલું છે. આ ડેમ ઉપર મુકવામાં આવેલ દરેક ગેટનું વજન ૪૫૦ ટન છે એટલે કે આશરે ૧૫૦ હાથીઓ નાં વજન જેટલું- ડેમ ઉપર આવા કુલ ૩૦ રેડીયલ ગેટ મુકવામાં આવેલ છે! આ ડેમનાં જળાશયની લંબાઈ ૨૧૪ કિ.મી અને મહત્તમ પહોળાઈ ૧૭ કિ.મી છે; આ ભવ્ય જળાશયમાં આખા વિશ્વને ૧૨ દિવસ માટે ઘરવપરાશ પૂરતું પાણી મળી રહે એટલો સંગ્રહ છે. આ બંધની મુખ્ય નહેર વિશ્વની સૌથી મોટી કોંક્રિટ વડે પાકી કરેલ સિંચાઈ નહેર છે; તેની લંબાઈ ૪૫૮ કિ.મી છે. મુખ્ય નહેરમાંથી શાખા નહેરો, વિશાખા નહેરો, પ્રશાખા નહેરો તથા પ્રપ્રશાખા નહેરો મળીને કુલ આશરે ૬૯,૫૦૦ કિ.મી. લંબાઈનું સંચાઈ નહેર માળખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારનાં લોકોના જીવનમાં સુખદ ક્રાંતિ લાવી રહ્યું છે.


સરદાર સરોવર યોજનાનાં લાભો


સિંચાઇ

સરદાર સરોવર યોજના ગુજરાતના ૧૭ જીલ્લાનાં ૭૭ તાલુકાનાં ૩૧૭૭ ગામોની આશરે ૧૮ લાખ હેક્ટર જમીન ને સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે; જે અંદાજે રાજ્યનાં કુલ પિયત વિસ્તારનાં પાંચમાં ભાગની છે. આ યોજના ગુજરાતની અત્યારની તમામ મોટી, નાની, અને મધ્યમ યોજનાઓની કુલ સિંચાઈ ક્ષમતાં કરતાં પણ વધુ છે અને તેનાથી ફક્ત ગુજરાત રાજ્યને નહિ પરંતુ રાજસ્થાન રાજ્યના રણ પ્રભાવિત બાડમેર તથા જાલોર જીલ્લાની ૨,૪૬,૦૦૦ હેક્ટર તથા મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી ડુંગરાળ વિસ્તારની ૩૭,૫૦૦ હેક્ટર જમીનને પણ સિંચાઇ માટે પાણી પૂરું પાડશે. ગુજરાતનો લગભગ ૭૫% કમાન્ડ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત છે જ્યારે રાજસ્થાન રાજ્યનો લગભગ બધો જ કમાન્ડ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત છે. નર્મદાનાં પાણી પહોંચતાં આ તમામ વિસ્તારોની કાયા પલટ થઈ રહી છે.


પીવાના પાણીનો પુરવઠો

નર્મદા યોજનામાં પીવાનાં પાણી માટે ફાળવેલ જથ્થા માંથી વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ૯૪૯૦ ગામડાઓમાં અને ૧૭૩ નાના શહેરોને ઘરવપરાશ અને ઔદ્યોગિક હેતુ માટે પાણી પુરૂ પાડવાનું આયોજન થયેલ છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા વિસ્તારના ગામો તથા શહેરી કેંદ્રો અને “નો સોર્સ” ગામો માં પાણીનાં અછતની સમસ્યા હતી તેમજ ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારો માં લોકો પીવાનાં પાણીમાં ક્ષાર, ફ્લોરાઈડ, અને નાઈટ્રાઈટની ની સમસ્યા અનુભવતાં હતાં. આવાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાના પીવાનાં પાણી પહોંચતા આ સમસ્યાઓ હળવી થઈ છે. આ યોજનાથી અમુક ઉદ્યોગોની પાણીની જરૂરીયાત પણ પુરી પાડવામાં આવશે કે જેથી ચોતરફી ઉત્પાદનને પણ સારો વેગ મળી શકે.


વિદ્યુત

સરદાર સરોવર ડેમની જળવિદ્યુત યોજના એ પ્રદુષણથી મુક્ત, સ્વદેશી અને પ્રમાણમાં સસ્તી ઉર્જા છે. મુખ્યત્વે બે પ્રકારના વિદ્યુત મથકો છે જેમાં નદી આમુખ વિદ્યુત ઘર (RIVER BED POWER HOUSE) અને નહેર આમુખ વિદ્યુત ઘર (CANAL HEAD POWER HOUSE) નો સમાવેશ થાય છે કે જેમની સ્થાપિત ક્ષમતા અનુક્રમે ૧૨૦૦ મેગા વોટ અને ૨૫૦ મેગા વોટ છે. ઉત્પન્ન થતા વિદ્યુતને ત્રણ ભાગમાં અનુક્રમે મધ્યપ્રદેશ – ૫૭%, મહારાષ્ટ્ર- ૨૭% અને ગુજરાત- ૧૬% ના ભાગે વહેંચવામાં આવે છે. તદુપરાંત જે શાખા નહેરો પર ઉપયોગી ધોધ મળી રહે છે તેવી નહેરો પર પણ નાના જળ આધારિત વિદ્યુત મથકોની આખી શ્રેણી બનાવવામાં આવી છે જેની કુલ સ્થાપિત ક્ષમતાં ૮૫ મેગા વોટ છે.


પુરમાંથી રક્ષણ

આ યોજના ગુજરાતના નર્મદા નદી કાંઠા વિસ્તારના ૨૧૦ ગામો તથા ભરૂચ શહેરની લગભગ ૩૦,૦૦૦ હેક્ટર જમીન તથા ૪ લાખની વસ્તીને પુરથી રક્ષણ આપી રહી છે.


વાઇલ્ડ લાઇફ

નર્મદા નહેરના પાણીનાં સ્ત્રોતથી થોળ પક્ષી અભ્યારણમાં પક્ષીઓની સંખ્યા અને વિવિધતામાં વધારો થયેલ છે. તદોપરાંત અનેક વિસ્તારોમાં પાણીનો સંગ્રહ થવાથી પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓના કુદરતી નિવાસ સ્થાન અને ખોરાકની ઉપલબ્ધિમાં વધારો થયો છે.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો. Click Here