info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦

પ્રાચીન શૂલપાણેશ્વર મંદિર ની કથા

પાછા જાઓ

શ્રી શૂલપાણેશ્વર (શૂલપાણીશ્વર)

જેમના હાથ (પાણિ)માં (ત્રિ)શૂલ છે તે

ૐ ।। સંક્ષિપ્ત કથાનક ॥ ૐ

બ્રહ્માના દીકરા (કશ્યપ)નો દીકરો – અંધક – એક મહાપરાક્રમી, બળથી ગર્વિત દાનવ હતો. પોતાના સ્થાને રહી નિષ્કંટક રાજય કરતો હતો. હૃષ્ટપૃષ્ટ થઈ મર્ત્યલોકમાં રહેતા તેને દેવો પણ હરાવી શકતા નહીં. એ સમયે અંધકે વિચાર કર્યો કે હું મહાદેવને પ્રસન્ન કરું જેથી તેમનો અનુગ્રહ મારા ઉપર થાય. પછી મારા મનમાં જે છે તે દિવ્ય વરદાન માગીશ. રેવાતટ પર સ્થિત થઈને એણે ઉગ્ર, દારુણ, રૂંવાડાં ખડાં કરી દે તેવું તપ કર્યું. હજારો વર્ષ તે તપ કરતો રહયો. તેના માથા ઉપરથી નીકળેલો ધૂમાડો દેવલોકને વટાવી કૈલાસને વ્યાપી રહ્યો ત્યારે ભગવાન શંકરની સમીપ બેઠેલાં દેવી પાર્વતીએ આગ્રહ કરીને તેના પર કૃપા કરવા જણાવ્યું.

પ્રસન્ન થયેલા દેવાધિદેવ મહાદેવે વરદાન માગવાનું કહયું. “આપની કૃપા વડે હે મહેશ્વર ! હું બધા જ દેવોને જીતું.” એવું વરદાન માંગતા ભગવાન શંકરે બીજું કંઈ પણ માગવા તેને સમજાવ્યો તો તે નિરાશ થયો અને મૂર્છા પામી ઢળી પડયો. “હે શંકર ! એ જે ઈચ્છા રાખે છે તે તેને આપો, નહીં તો ભકતોની ઉપેક્ષા કરો છો તેવી તમારી અપકીર્તિ થશે” – એવું પાર્વતી દેવીના કહેવાથી ભગવાને એમને જણાવ્યું કે અંધકને એની ઈચ્છા મુજબ વરદાન આપતાં તે અસુર બીજા દેવો અને દાનવોને ગણકારશે નહિ. વિષ્ણુ, બ્રહ્મા કે મને પણ ગણશે નહિ. એના જવાબમાં દેવીએ કહયું : “કોઈ પણ ઉપાયથી હે મહેશ્વર ! એને ઉઠાડો. વિષ્ણુ સિવાયના દેવોને તું જીતીશ એવો વર આપો”.

“હે દેવી ! એ ઉપાય સારો છે અને એ મારા મનમાં પણ છે જ” એમ કહી ભગવાન શંકરે અમૃત સિંચતા અંધક તત્ક્ષણ સ્વસ્થ થયો, સર્વ અવયવોથી શોભતો નવો જન્મ્યો હોય એમ થયો.

ભગવાને અંધકને વરદાન આપ્યું : “એકચિત્તથી તું સાંભળ. ઉત્તમ વરદાન ગ્રહણ કર. હું તને જે પ્રિય છે તે વિષ્ણુને છોડીને તને આપીશ. તને બધી સફળતા મળો. તારો ધર્મ તું ચૂકીશ નહીં. વિષ્ણુ સિવાયના અને મારા સિવાયના બધા જ દેવોને તું જીતીશ.” અંધકે કહ્યું : “ભલે તેમ થાઓ. મારા બળનો આકાય કરીને વિષ્ણુ સિવાયના દેવોને હે મહેશ્વર ! હું જીતીશ.”

 અંધક દાનવે વરદાન મેળવ્યું છે તે જાણી ભય પામેલા બધા સ્વર્ગવાસીઓ એકત્ર થઈને ઈન્દ્રને શરણે ગયા. તે વખતે જાસૂસના મુખેથી તે દેવી મંત્રણા કરે છે એમ સાંભળી દાનવ ઘણા આયુધોથી યુક્ત, એકલો રથ પર ચઢી દુર્ગમ એવા મેરુપર્વત ઉપર અનાયાસે ચઢી ગયો અને સહજ જ ઘરમાં પ્રવેશતો હોય તેમ પ્રવેશ્યો. તે વખતે ઈન્દ્રએ ભયભીત થઈને પોતાનું આસન તેને આપ્યું. ભયથી ત્રાસેલા ઈન્દ્રએ સ્વર્ગની સઘળી વસ્તુઓ, વાજિંત્રો અને અપ્સરાઓ તેને આપી દીધાં. દૈત્યનું ચિત્ત અપ્સરાઓને જોઈને સંતુષ્ટ ન થયું. તેનું મન ઈન્દ્રની પત્ની શચી પ્રત્યે કામનાવાળું થયું. ઈન્દ્રની પત્ની શચીને લઈને તે પોતાના નગર બન્ની જવા લાગ્યો ત્યારે અંધકનું દેવો સાથે યુધ્ધ શરૂ થયું. તેણે એકલાએ વિવિધ શસ્ત્ર, ચક્ર, વજ્ર આદિથી યુક્ત દેવોને સંગ્રામમાં પરાજીત કર્યા.

પછી બધા દેવો ઈન્દ્રને આગળ રાખીને બ્રહ્માને શરણે ગયા. દૈત્ય અંધક દેવગણોને યુધ્ધમાં પરાજીત કરી બળપૂર્વક ઈન્દ્રની પત્નિને લઈ ગયાની વાત બ્રહ્માને કરી. ‘તે પાપી દાનવ બધા દેવોથી અવધ્ય છે અને સર્વ જગતના રક્ષક વિના બીજો કોઈ બચાવી શકે તેમ નથી’ એમ જાણતા બ્રહ્માએ કહ્યા પછી બધા દેવો તેમને આગળ કરી વિષ્ણુ પાસે ગયા. ‘જેણે દેવોને સંતાપ આપ્યો છે તે પાતાળમાં, મર્ત્યલોકમાં કે સ્વર્ગમાં હશે તો ય તે પાપીને હું મારીશ’ એવું વિષ્ણુનું વચન સાંભળી ઈન્દ્ર સાથે બ્રહ્મા વગેરે દેવો હૃદયથી સંતોષ પામી વિષ્ણુને નમીને પોતાના વાહનો દ્વારા સ્વર્ગમાં પરત ગયા.

પાતાળલોકમાં રહેલા અંધકને જોઈને કેશવ ભગવાને તે બળી જાય એમ ધારીને ધનુષ્ય લઈને આગ્નેય બાણ છોડયું. અગ્નિથી બળતા તેણે પણ વારુણાસ્ત્રનું સંધાન કર્યું. મોટા વરુણાસ્ત્રથી તે આશ્રય કરીને આગ્નેયાસ્ત્ર શમી ગયું. પછી અંધકે વિચાર્યું કે આ બાણ કોણે માર્યું ? કોની આ પુરુષાર્થભરી શકિત છે ? અને કોણ યમાલય જવા ઈચ્છે છે? આમ વિચારી તે ગુસ્સે થઈ બાણમાર્ગે ગયો અને તેણે હાથમાં ધનુષવાળા વિષ્ણુને જોયા.

‘તારી સાથે હું શસ્ત્રસંગ્રામ નહીં કરું’ એવું કહેતા દાનવ પર કેશવે ક્રોધ કર્યો નહીં. તેમને યુધ્ધ ન કરતા જોઈ દાનવ એ દ્વંદ્વયુધ્ધ કરવા વિચાર્યું. પણ તેમ કરતાં કૃષ્ણના પગના પ્રહારથી તે પૃથ્વી પર પડી ગયો.

થોડા સમય પછી આશ્વસ્ત થઈ ઊઠીને વિચારવા લાગ્યો. દ્વંદ્વયુધ્ધમાં હું સમર્થ નથી તો સમાધાન યોજવું જોઈએ. આમ કહી તેણે વિષ્ણુની સ્તુતિ કરી.

પ્રસન્ન થયેલા ભગવાને ‘ઈચ્છા હોય તે વરદાન’ માગવા કહયું. ‘ત્રિલોકમાં દુર્લભ હશે તોપણ હું તે વરદાન આપીશ’ એમ કહેતાં અંધકે ‘ઉત્તમ યુધ્ધ’ માગ્યું. ‘તમારા હાથથી પવિત્ર થયેલો હું ઉત્તમલોકને પ્રાપ્ત થઈશ.’ એમ અંધકે માગ્યું.

એટલે ભગવાન વિષ્ણુએ કહયું : ‘તેં મને પ્રસન્ન કર્યો છે. તારા તરફ ક્રોધ થતો નથી તો હે અંધક ! હું તારી સાથે કેવી રીતે યુધ્ધ કરું ? જો તારી યુધ્ધ માટે જ નિઃસંશય ઈચ્છા હોય તો તું યુધ્ધ માટે મહાદેવ પાસે જા.’

‘મહાદેવથી મારું કાર્ય સિધ્ધ થશે નહીં’ એમ શંકા કરતા અંધકને ભગવાને કહ્યું : 'તું કૈલાસ શિખર પર જઈને તેને પોતાના બળથી હલાવ. જયારે તું હલાવીશ ત્યારે ભયંકર કોપર્તા તે શંકર ગુસ્સે થઈને તને ભયંકર યુધ્ધ આપશે.”

વિષ્ણુએ કહયું એ પ્રમાણે અંધકે કર્યું. તેથી ભગવાન શંકર કોપાયમાન થયા અને એ પછી ભગવાન શંકર અને અંધક વચ્ચે અસ્ત્ર, ચક્ર, નાલિકો, બાળો, તોમર, ખડ્ગ, મુદ્ગર, વત્સદંત, ભાલા, કર્ણિકાર જેવા વિવિધ આયુધોથી યુધ્ધ થયું. અંતે ભગવાન શંકરે તે દાનવ અંધકને ત્રિશૂલથી ભેદી નાખ્યો.

મરણાસન્ન અંધકે તે સમયે દેવાધિદેવ મહેશ્વરની વાણીથી સ્તુતિ કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને વરદાન માગવા કહેતાં અંધકે માંગ્યું : ‘જો તમો પ્રસન્ન થયા હો અને વરદાન આપવાના હો તો હું તમારા સમાન ભસ્મધારી, જટાધારી, ત્રિનેત્રવાળો, ત્રિશૂલ ધારણ કરનારો, ચાર હાથવાળો, વ્યાઘ્રચર્મના ઉત્તરીયવાળો અને નાગને જનોઈ તરીકે ધારણ કરનારો થાઉં એવું કરો. હે મહેશ્વર ! જો તુષ્ટ થયા હો તો આ બધું હું ઈચ્છું છું.’

ઈશ્વરે કહયું;

“ હે અંધક! તેં જે માગ્યું છે તે હું તને આજે આપું છું. હે પુત્ર! મારા ગણોમાં રિયત તું ‘ભૂંગીશ’  નામે થઈશ. ”

અંધકને મારીને પછી દેવાધિદેવ રુદ્ર મહેશ્વર ઉમા સહિત કૈલાસ પર્વત પર ગયા. પછી બ્રહ્મા વગેરે દેવો ઈન્દ્ર સાથે ત્યાં આવ્યા. તે બધાએ આનંદથી તુષ્ટ થઈ પાર્વતીપતિ શંકરને પ્રણામ કર્યા. તેમને ઈશ્વરે કહયું હે પિતામહ દેવોના કારણે મેં તે દાનવને હણ્યો છે. હે બ્રહ્મન્ ! શુભ વ્રત, તપ, જપમાં રત તેને મેં માર્યો છે તેથી તેના રકતથી મારું (ખરડાયેલું) ત્રિશૂલ નિર્મળ થતું નથી. તેથી હે ચતુર્મુખ (બ્રહ્મા) ! હું સારી રીતે તીર્થયાત્રા કરવા ઈચ્છું છું. તમે બધા પણ મારી સાથે આવો.

પ્રભાસથી ગંગાસાગરની વચ્ચેના વચમાંના બધાં જ તીર્થોમાં સ્નાન કરવા છતાં ત્રિશૂલ નિર્મળ થયું નહીં ત્યારે દેવો સાથે ભગવાન શંકર અંતે નર્મદાના તટ પર પહોંચ્યા, ઉત્તર અને દક્ષિણના કિનારાઓ પર તે વ્રતપ્રેમી(શંકર)એ સ્નાન કર્યું અને દક્ષિણ તટે ભૃગુ નામના પર્વત પર ગયા. બધા જ દેવો માટે તે તીર્થ સ્થાન સુંદર અને વિશિષ્ટ છે એમ શંકર ભગવાને માનીને ત્યાં નિવાસ કર્યો. ત્રિશુલ નિર્મળ કરવા ઘણું ભટકી–ભટકીને થાકેલા અને ખિન્ન થયેલા શિવજીએ ત્રિશુલથી પર્વતને વીંધ્યો. તેનાથી રસાતાળ ભેદાઈ ગયું. ત્રિશૂલ પણ નિર્મળ થઈ ગયું અને કયાંય પણ લેપ (ડાઘ) દેખાતો ન હતો.

ત્રિશૂલ વડે પર્વત ભેદાયો ત્યાં પાતાળમાંથી ભોગવતી ગંગા નીકળી અને તે સ્થાન ‘શલભૈદ’ નામનું પ્રસિધ્ધ તીર્થ બન્યું. દેવોએ ત્યાં મહાન પુણ્યકારક સરસ્વતીનું આહવાન કર્યું તેથી ત્યાં મહાપુણ્યા સરસ્વતી નદી આવી અને ત્યાં સીતાસીત ત્રિવેણી   ગંગાયમુના જેવો સંગમ થયો. ત્યાં સ્વયં બ્રહ્માએ ‘બ્રહ્મેશ’ નામે શંકરનું લિંગ સ્થાપિત કર્યું. તેના દક્ષિણ ભાગમાં સ્વયં દેવ વિષ્ણુ સદા વસે છે અને ત્યાં વિષ્ણુના ચરણના અગ્રભાગમાં ગંગા વસે છે.

જે જગ્યાએ શિવજીએ ત્રિશૂલની અણીથી પર્વત ભેદ્યો હતો ત્યાં જળથી ભરેલા ત્રણ કુંડ બની ગયા. કુંડની મધ્ય ભાગમાં રહેલા જળને વહેવાનો કોઈ માર્ગ ન હોવાથી શંકરે ત્રિશૂલના અગ્રભાગથી રેખા કરવાથી પાણી વહેવા લાગ્યું અને તે પાછી જયાં રેવા (નર્મદા) મહાનદી હતી ત્યાં ગયું. તે જળમય લિંગ મહાપુણ્યકારક ચક્રતીર્થ છે. ત્યાં શલભેદમાં શંકર ભગવાને યથાવિધિ સ્નાન કર્યું. શિવે પોતાને શુધ્ધ માન્યા અને તેમનામાં કોઈ જ મલિનતા ન રહી. એની જ ઉત્તરમાં જગદગુરૂ દેવાધિદેવ શંકરે સ્વયં ‘શૂલપાણિ’ની પ્રતિષ્ઠા કરી. (જે ‘શૂલપાણીશ્વર મહાદેવ’ નામે ઓળખાય છે. જેમના હાથ (પાણિ)માં (ત્રિ)શૂળ છે તે મહાદેવ), ત્યાં સો રક્ષકો અને આઠ વિનાયકો નિયુક્ત કર્યા છે. ક્ષેત્રપાળો પ્રયત્નપૂર્વક એની રક્ષા કરે છે. તે તીર્થ સર્વતીર્થોમાં પરમ સર્વદેવમય છે, સર્વ પાપ હરનાર, સર્વ દુઃખનો નાશ કરનાર ઉત્તમ પવિત્ર તીર્થ છે.

 સુંદર ભંવરવાળા, ત્રિશૂલના ચિહ્નવાળા તે કુંડ સર્વ પાપ હરનાર, સર્વ દુઃખનો નાશ કરનારા બન્યા. જે મનુષ્યો અહીં સરસ્વતી, ભોગવતી અને દેવનદીમાં વિશેષ કરીને સ્નાન કરે છે તેઓ પુણ્યશાળી અને ધન્ય છે. દીક્ષા અને મંત્ર વગરનો પણ જે મનુષ્ય વ્રત કરીને આ તીર્થમાં સ્નાન કરે તો સંસારના બંધનમાંથી છૂટે છે.

જે રીતે સર્વકામનાઓને પૂર્ણ કરનાર પુણ્ય અને ઉત્તમ પિતૃતીર્થ (ગયા) છે તેવું જ આ શૂલભેદ તીર્થ સ્નાન, દાન તથા તર્પણોથી પુણ્યકારક છે. ત્યાં ત્રણે લોકમાં વિખ્યાત એવા માર્કંડેય મુનિશ્વરે હજાર દિવ્ય વર્ષ સુધી અત્યંત દારૂખ઼ તપ કર્યું અને યોગાભ્યાસનો આશ્રય કરીને તેઓ ગુફામાં રહયા અને તેમણે માર્કંડેશ્વર નામનું લિંગ સ્થાપિત કર્યું હતું.

શૂલભેદ તીર્થમાં જે કોઈ પર્વના દિવસે અને વિશેષ કરીને ચૈત્ર માસના અંતે (એટલે કે અમાસના દિવસે) શ્રાધ્ધ કરે છે તેને કેદારમાં, ગંગાસાગરમાં, ગંગાયમુના સંગમમાં કે અર્બુદ પર્વત પર અને અમરકંટક ઉપર તથા ગયાજી વગેરે તીર્થોનું જે પુણ્ય મળે તે પ્રાપ્ત થાય છે. સ્વર્ગલોકમાં તે મનુષ્ય પ્રલયકાળ સુધી વસે છે.

શૂલપાણિનો જે મનુષ્યો ભકિતપૂર્વક જપ કરે છે,  પૂજા કરે છે,

તે વિવિધ પ્રકારના ભોગો ભોગવી શિવલોકમાં માન પામે છે.

જે મનુષ્ય તે તીર્થનું સ્મરણ કરતા ત્યાં જાય છે અથવા ત્યાં મરણ પામે છે તે રુદ્રના અનુચર બની જાય છે.